વ્યક્તિગત ઉદ્દેશ્ય વિશે...
પ્રખ્યાત વક્તા,લેખક અને સાયકોલોજિસ્ટ દીપ ત્રિવેદી ના મતે "સત્ય એ છે ; જે દરેક વ્યક્તિને,દરેક અવસ્થામાં એક સરખી રીતે લાગુ પડે " જેવી રીતે જન્મ થાય ત્યારે નવજાત શિશુ હોવું... આ વાત સર્વ ને લાગુ પડે છે. બાળપણ ,યુવાની ,વૃદ્ધાવસ્થા દરમ્યાન શરીર માં પરિવર્તન આવવું... વગેરે ..
પણ અહીંયા હું દીપ ત્રિવેદી ની જેમ પ્રકૃતિ અને મન ના નિયમો ,તેની પ્રણાલી અને સાયકોલોજી વિશે વાત નહી કરું. એ કામ એમનું છે.
હું અહીંયા એક નવી વાત ,એક નવો પ્રયોગ બતાવવા આવ્યો છું..
દરેક માણસ ને એક પ્રશ્ન હોય છે "મારા જીવન નો ઉદ્દેશ્ય શું છે? હું ક્યાં કારણે જન્મેલી / જન્મેલો છું?" તો આ પ્રશ્ન નો ઉત્તર આ પ્રયોગ થી મળશે.
કોઈ પણ પ્રયોગ ને કરવા માટે કેટલીક વાતો સ્વીકારવી પડે.. પછી આપણે કંઈક નવું કરીએ અને તેના પરિણામો ચકાસીએ...
તો સૌથી પહેલા આ પ્રયોગ કરવા માટે તમારે ત્રણ મૂળભૂત વાતો સ્વીકારવી પડશે.
(૧) આત્મા,પરમાત્મા,પુન: જન્મ, ભગવાન, સ્વર્ગ ,નર્ક ,પરલોક,ઈશ્વર, મોક્ષ જેવું કાંઈ જ નથી..
(૨) આ કુદરત અને તેનો સ્વભાવ સ્વયંભૂ સંચાલિત છે. સ્ત્રી અને પુરુષ ના મિલન થી જ બાળક નો જન્મ થાય છે. કુદરત ના દરેક જીવ પાસે સ્વભાવિક મૂળભૂત વૃત્તિઓ રહેલી છે.
(૩) બાળક ના શરૂઆત ના જીવન ના કેટલાક વર્ષો માતા / પિતા, પરિવાર ,અને સમાજ ના સહિયારા પ્રયત્નો અને પ્રાપ્ત અનુભવો ના બળે પસાર થાય છે અને આ પ્રયત્નો ,અનુભવો અને મળેલી કેળવણી તેમ જ શિક્ષણ તેનું પ્રારબ્ધ ઘડે છે. તેની પાસે કેટલાક નિર્ણયો લેવાની કેટલીક સત્તા પણ છે.
હવે આ ત્રણ મૂળભૂત ધારણા સાથે આપણે કેટલાક સત્યો ને જોઈ લઈએ
(૧) દરેક જીવ,એ મનુષ્ય હોય કે પછી પ્રાણી વિકસિત થવા ના ઉદ્દેશ્ય સાથે જ ઉછેર પામે છે. વિકસિત થવું અને સમય સાથે પરિવર્તન પામવું એ દરેક માટે સહજ છે.
(૨) દરેક જીવ માં નિદ્રા, ભૂખ, તરસ, સુરક્ષા, ભય ,પીડા અને પ્રજનન ની કુદરતી વૃત્તિ રહેલી છે અને આ જ વૃત્તિઓ પર તેનું પોષણ અને વિકાસ રહેલો છે.
(૩)મનુષ્ય સમાજ માં કુદરતી વૃત્તિ ઓ ની સાથે સાથે કેટલીક સામાજિક વૃત્તિઓ અને વિષયો પણ વિકાસ માટે જરૂરી છે.. જેમ કે (૧) પ્રભાવ અને પ્રતિષ્ઠા (૨) બોધ અને સમજણ (૩) તર્ક ,ભાષા, સંપત્તિ (૪) લોભ લાલસા, દાન અને સેવા ની વૃત્તિ (૫). વિજ્ઞાન,કલા,સાહિત્ય..
આ સર્વ વૃત્તિઓ મનુષ્ય ને કુદરત ના બીજા જીવો કરતા અલગ કરે છે.
(૪) કુદરતી વૃત્તિઓ ને રોકવી અને તેનું દમન કરવું એ ઘણું ક્ઠીન તેમ જ તપશ્ચર્યા માંગી લે તેવું કામ છે..તેના દ્વારા ફક્ત શોષણ પ્રાપ્ત થાય છે. કુદરતી વૃત્તિઓ વ્યક્ત થાય છે,અને આ સ્વભાવિક તેમ જ સહજ છે.
(૫) સામાજિક વૃત્તિઓ અને વિષયો ની કેળવણી તેમ જ સમજ એ સર્વાંગી વિકાસ અને સફળતા માટે આવશ્યક છે.
આ ૩ ધારણા અને આ ૫ સત્યો ને સમજી લેવાથી હવે પ્રયોગ સરળ બની જશે.
આપણી પાસે પ્રયોગ માટે 9 જીવન ક્ષેત્રો છે.. અને આ 9 ક્ષેત્રો દરેક મનુષ્ય ના જીવન માં ભાગ ભજવે છે.
(૧) સ્વાસ્થ્ય (Health) - આ ક્ષેત્ર ખૂબ મહત્વનું છે.. પોતાનું શરીર અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું અને સ્વસ્થ જીવન જીવવું એ પ્રાથમિક જરૂરિયાત છે.
(૨) શિક્ષણ (Education) - સમાજ સાથે તાલમેલ મેળવવા અને વિકસિત થવામાં શિક્ષણ મહત્વપૂર્ણ છે. ફક્ત શાળાકીય નહી, કોઈ પણ પ્રકારની કેળવણી ઉપયોગી છે.
(૩) કારકિર્દી (Career)- કુદરત તેમ જ સમાજ ને ઉપયોગી થવા માટે તમારા રસ અને સ્વભાવ પ્રમાણે કર્મ ક્ષેત્ર નું ચયન કરવું આવશ્યક છે.
(૪) સંપતિ / ધન ( Wealth) : નાણું એ વ્યહવાર અને અર્થતંત્ર ની ગતિ માટે આવશ્યક ઘટક છે. નાણા થી સુખાકારી અને સુરક્ષા બન્ને પ્રાપ્ત થાય છે. જન્મ સમયે હોસ્પિટલમાં, તેમ જ મૃત્યુ સમયે સ્મશાન માં નાણાં ચૂકવવા જ પડે છે.
(૫) વિવાહ / પ્રેમ સંબંધ (Relationship): પોતાના સમાજ ને આગળ વધારવા માટે અને પરિવાર નિર્માણ કરવા માટે વિવાહ / પ્રેમ સંબંધ આવશ્યક છે. કુદરતી આકર્ષણ સહજ છે.
(૬) બાળક નો જન્મ (Child Birth ): પ્રજનન દ્વારા કે અન્ય કોઈ પણ રીતે બાળક ને જન્મ આપવો તેમ જ ઉછેર કરવો તેમ જ કોઈ અન્ય ના બાળક ને ઉછેરવું આ સમાજ ની જરુરિયાત છે.
(૭) વ્યક્તિગત વિકાસ (Personal Development): નવું નવું શીખવું, સમય સાથે સમાજ તેમ જ કુદરત ને વધુ ઉપયોગી બનવું અને બીજા ને સહાયતા કરવી આ ક્ષેત્ર માં આવે છે.
(૮) સામાજિક પ્રતિષ્ઠા (Social Reputation): સમાજ તેમ જ કુદરત માટે કરેલા કાર્યો બદલ પ્રતિષ્ઠા કે સમ્માન પ્રાપ્ત થવું ( જેમ કે સુરત ના ડાયમંડ કિંગ સાવજીભાઈ ધોળકિયા)
(૯) સામાજિક વારસો (Legacy): તમારા મૃત્યુ પછી પણ આવનારી પેઢીઓ તમને યાદ કરે એવું કંઈક કરવું.. તમારા ગુણો અને સેવાભાવ દ્વારા અન્યો ને વિકાસ ની તકો પૂરી પાડવી.
હવે ઘણા લોકો નો પ્રશ્ન હોય છે કે .. તો એનો ઉત્તર છે...
" તમારો જન્મ આ જીવન ના નવ ક્ષેત્રો માં વિકાસ અને પ્રગતિ કરવા તેમ જ સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત કરવા માટે થયો છે."
આ વાત ને આ રીતે પણ સમજી શકાય..
આ ૯ ક્ષેત્રો માં આવતી તમામ સમસ્યાઓ દૂર કરી ને પરમ સંતોષ પ્રાપ્ત કરવા માટે પણ તમે જન્મેલા છો.
તમે આ નવ માંથી કોઈ પણ એક ક્ષેત્ર પસંદ કરી શકો અથવા એક કરતા વધુ ક્ષેત્ર પણ પસંદ કરી શકો અને નક્કી કરી શકો એવા ત્રણ મહત્વ પૂર્ણ કાર્યો જે આ ૯ ક્ષેત્ર માંથી કોઈ પણ એક ક્ષેત્ર માં વિકાસ અને નિરંતર વિકાસ માટે સહાયક થઈ શકે.. અને નિરંતર પ્રયત્નો થી તમે કોઈ એક ક્ષેત્ર માં ખૂબ સારું નામ કરી શકશો.
દાખલા તરીકે : સ્વાસ્થ્ય ની બાબત માં અભિનેતા અક્ષય કુમાર.સંબંધો ની બાબત માં સાયકોલોજિસ્ટ ડૉ. હંસલ ભચેચ , ધંધાકીય ક્ષેત્ર માં કોચ સંતોષ નાયર વગેરે....
હું પોતે રોજ વ્યક્તિગત વિકાસ ક્ષેત્ર માં પ્રગતિ કરવા માટે વાંચન,લેખન ,અધ્યયન કરું છું. જ્યોતિષ, અંકશાસ્ત્ર, ટેરો,સાયકોલોજી,ફિલોસોફી અને સેક્સ એડ્યુકેશન મારા પ્રિય વિષયો છે.
તમે કોઈ એક ક્ષેત્ર માં પ્રગતિ કરશો તો બીજા ક્ષેત્રો એની પાછળ પાછળ આપ મેળે આવશે... પણ સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે કારણ
કે એના વગર બીજા કોઈ પણ ક્ષેત્ર માં પ્રગતિ તેમ જ વિકાસ શક્ય નથી!!!...

Comments
Post a Comment