કર્મયોગ

કર્મ કેટલા પ્રકાર ના હોય છે?
------------------------
(૧) સાત્વિક કર્મ: આ કર્મ પ્રસન્નતા ,આનંદ અને શાંતિ આપે છે, સ્વાસ્થ્ય અને અનુકૂળતા પણ બક્ષે છે.  
દા.ત: એક કુટુંબ ના સભ્યો જ્યારે સાથે મળીને રમતો રમે છે અને આનંદ કરે છે.

(૨) રાજસી કર્મ : આ કર્મ ગર્વ ,આત્મવિશ્વાસ અને પ્રભાવ માં વૃદ્ધિ અથવા ઘટાડો આપે છે. આ કર્મ પાછળ વૃદ્ધિની લાલસા ની સાથે સાથે માન અને પ્રશંસા ની આશા હોય છે.
દા:ત પ્રમોશન કે રિટાયરમેન્ટ વખતે આપેલી પાર્ટી અથવા ગેટ ટુ ગેધર.

(૩) તામસી કર્મ : આ કર્મ પાછળ સ્વાર્થ, મહત્વકાંક્ષા ,લાલસા ,ક્રોધ જોવા મળે છે. આ કર્મ પાછળ ક્યારેક આળસ,મોહ અને ક્રૂરતા નો ભાવ પણ હોય છે. આવા કર્મો વ્યર્થ ના સંઘર્ષ ઊભા કરે છે.
દા:ત: માત્ર શારીરિક હવસ ને પૂરી કરવા માટે દર્શાવેલ શોષણ પૂર્ણ સંવેદનહીન અશ્લીલ દૃશ્યો. આ પ્રકારની પોર્ન ફિલ્મો મનુષ્ય ના મન માં વિકાર ઉત્પન્ન કરે છે.. અને એવા મનને વિકૃત થતાં વાર નથી લાગતી)

(૪) નિર્ગુણ કર્મ : આ કર્મ સર્વ ના હિત માટે કરવામાં આવેલું કર્મ છે. આ કોઈ પણ હોઈ શકે. આ કર્તવ્ય અથવા સર્વ ના લાભ ને ધ્યાન માં રાખી ને મમત્વ વિના કરવા માં આવેલું કર્મ છે. (દા:ત) તકતી માં નામના મેળવવા ની ઈચ્છા વગર ગુપ્ત દાન થી શાળા, હોસ્પિટલ, સમાજ સેવી સંસ્થા બનાવવી.

    સાત્વિક ,રાજસી અને તામસી કર્મો માં મમત્વ નો ભાવ હોય છે. પણ નિર્ગુણ કર્મ મમત્વ અથવા અધિકાર થી મુક્ત હોય છે.
સંકુચિતતા અને અહમ ના ભાર થી મુક્ત આ કર્મ ને નિષ્કામ કર્મ પણ કહે છે. ગીતા માં કર્મ ફળ ના ત્યાગ ને કર્મયોગ અને કર્મ ના કર્તાપણા ના ત્યાગ ને કર્મ સંન્યાસ કહ્યો છે. કર્મ ત્યાગવું સન્યાસ નથી... કર્તાપણા નો ત્યાગ સંન્યાસ છે.

આ કર્તાપણું શું છે?
----------------
વાસ્તવમાં કર્તાપણું એક ભ્રમ છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એક નાના બાળક ને શરીર એના માતા પિતા પાસેથી મળે છે.. એણે ખવરાવવું ,પીવરાવવું અને પોષણ આપવું તેમ જ સમાજ માં જીવવા માટે યોગ્ય એવું બધું જ જ્ઞાન તેના પરિવાર,શાળા,વાતાવરણ અને સમાજ થી મળે છે. તેની ભાષા પણ એ પોતે નક્કી કરી શકતો નથી. કહેવાનો અર્થ કે જે સમજ અને લાયકાત એ બાળક ને પસંદગી કરવા પ્રેરે છે એ પણ તેને મળેલી ટ્રેનિંગ નો ભાગ છે.. આમ મનુષ્ય જોવા જઈએ તો દુકાન માં પડેલી એક દાન પેટી જેવો છે જેમાં સિક્કા અને નોટ બીજા નાખે છે. હા ,એ દાન ના પૈસા ક્યાં વપરાય છે એ જ એનો ઉદ્દેશ્ય છે. અને આ ઉદ્દેશ્ય જ દાન પેટી ને મહત્વપૂર્ણ બનાવે છે.
એક વાત એમ પણ છે, કે મનુષ્ય અને દાન પેટી માં અંતર છે.. દાન પેટી નિર્જીવ છે. પણ મનુષ્ય સજીવ છે.
દાખલા તરીકે : મહેશ નામ ના મિત્ર ની સંગત થી કોઈ એક વિવેક નામના છોકરાએ પહેલી વાર પોર્ન જોયું . તેને પહેલી વાર ઉત્તેજના અને મજા પણ આવી .. તેને આ જોયા પછી ગિલ્ટ થઈ અને છોડવાનું મન થયું.. તો આ મજા નો ભાવ, ગિલ્ટ અને છોડવાની વાત જ્યાં આવી એ ભાવ જ તેનું કર્તા પણું છે. પછી વિવેકને જ્યારે પણ એકાંત મળતું એ જાતે પોર્ન જોતો.. ટૂંક સમય માં તેને આ આદત પડી ગઈ અને ૨૦ વર્ષ બાદ એ કોઈ કોલમ માં પ્રશ્ન કરે છે કે " આ આદત કઈ રીતે છોડી શકાય?"
           ભલે શરૂઆત મહેશના સંગ થી થઈ , પરંતુ વિવેક ની અંદર ના ભાવ વિશ્વ એ પોર્ન ફિલ્મો માંથી મળતા આનંદ ને ખૂબ મહત્વ આપ્યું.. 
       આ આનંદ ની પાછળ ગિલ્ટ અને નકારાત્મકતા પણ હતી એને અવગણી.. પણ સરવાળે એ બન્ને ભાવ , આનંદ તેમ જ ગિલ્ટ વારે ઘડીએ પોર્ન જોવાથી વધતા ગયા. 
હકીકતમાં પોર્ન જોવું એ ઘટના માત્ર છે. જેમ તમે કોઈ વાર્તા વાંચો છો કે છાપું વાંચો છો એ ઘટના છે. 
             પણ એ ઘટના માંથી જે ભાવ વિશ્વ ઉભુ થાય છે અને એ ભાવ માંથી જેને ગંભીરતા પૂર્વક લેવામાં આવે છે એ ભાવ સાથે કર્તાપણું બંધાય છે.
       આ ભાવ વિશ્વ એટલે મન .એટલે જ મન ને મુક્તિ તેમ જ બંધન નું કારણ પણ કહ્યું છે.

કર્મ ફળ શું છે?
-------------
          તમે કોઈ ને ગાળ બોલી ,અને એને તમને ગાળ બોલી એટલે કર્મ નું ફળ મળી ગયું.... એવું નથી. આ તો ફક્ત વ્યવહારિક પ્રતિક્રિયા છે, કર્મ નું ફળ એટલે કર્મ માંથી ઉત્પન્ન થતા ભાવ ને ભોગવું અને વારંવાર ભોગવું. 
           પોર્ન જોતા વિવેકે જે આનંદ અને ગિલ્ટ અનુભવ્યા એ જ પોર્ન જોવાના કર્મ નું ફળ છે. માનસિક ભાવો નું બંધન જ કર્મ ફળ છે. ક્રોધ આવતા જ જે પીડા અને પસ્તાવો ઉત્ત્પન્ન થાય છે ,એ ક્રોધ નું ફળ છે.. 
તમે ધ્યાન થી વિચારશો તો ગાળ બોલતા પણ તમને ઉત્તમ લાગણી થતી નથી.. ગાળ બોલનાર વ્યક્તિ પણ પોતે તુચ્છતા અનુભવે છે. અને સામે થી બીજો ગાળ બોલે ત્યારે તે સાંભળવા થી પણ એ જ તુચ્છતા અનુભવાય છે.. કર્મ અને કર્મ થી બનતું ભાવ વિશ્વ કર્તાભાવ નું નિર્માણ કરે છે. અને કર્તાભાવ પ્રબળ થતા જે બંધન અનુભવાય છે એ કર્મ નું ફળ છે.


કર્તાભાવ નું નિર્માણ કઈ રીતે અટકાવી શકાય?
-----------------------------------
દરેક ક્ષણ સાથે જીવવું અને બહાર ના ઘટનાક્રમ ને બહાર જ રહેવા દેવો આ કર્તાભાવ થી બચવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.
આપણા દાખલા માં " વિવેક જો પોર્ન ફિલ્મ ને ફક્ત એક નાટ્યાત્મક ઘટનાક્રમ તરીકે જોવે અને તેના પ્રત્યે મમત્વ કે ભાવુકતા ન જાગે ભલે તે આનંદ નો જ ભાવ કેમ ન આવે... બહાર ની વસ્તુઓ થી પ્રાપ્ત થતા આનંદ,ભય ,શોક, ગ્લાનિ ને ક્ષણ પૂરતા જ પકડી રાખવા.. જેવી રીતે એક નાનું બાળક નવું રમકડું મળતા ,જુના રમકડા ને મૂકી દે.. એવી રીતે આ જગત ને તથા તેની તમામ વસ્તુઓ તેમ જ ઘટનાઓ ને ક્ષણ ભર ના રમકડા જ માનવા.. મળે ત્યારે રમી લેવું અને પછી મૂકી દેવું... સદાય માટે તો સદાય માટે.. પણ મૂકી દેવું.

Comments

Popular posts from this blog

Astrology in a Sense of "Dharma"

ज्योतिषी सेवा और शुल्क।

કામ જ્યોતિષ