શ્રીમદ્ ભગવદ્ ગીતાની શરણે...


ગીતા સાર અધ્યાય ૧
------------------
અર્જુન : જે મારા આત્મીય સ્વજન મારી વિરોધ માં છે ઊભા , એમણે પૃથ્વી ના એક ટુકડા માટે યુદ્ધ કરતા જોઈ ને હું ક્ષોભ પામુ છું.. કારણ કે પૂજનીય તેમ જ આત્મીય લોકો ને મારી ને જે સુખ મળશે એમાં પાપ સિવાય કાંઈ જોતો નથી.. અને મહાવિનાશ પછી જે પાપ રૂપ સંપતિ અમે ભોગીશું એના કારણે લાગેલું મહાપાપ અમારી આવનારી પેઢીઓ ને પણ ભોગવવું પડશે.. એમ પૂજનીય અને આત્મીય એવા સ્વજનો ને મારી ને કુળનાશ નું પાપ લાગશે.
આટલી વિશાળ સેના અને આવા મહાનુભાવો એક નાનકડી પૃથ્વી ના ટુકડા માટે સંઘર્ષ કરશે.. એ મૂર્ખતા છે. હું આ યુદ્ધ માં બુદ્ધિમાની જોતો નથી માટે શસ્ત્રો નો ત્યાગ કરું છું. કારણ કે યુદ્ધ જીતી ને પણ જો આ લોકો નહી હોય, તો એવા વિજય થી પણ શું પ્રયોજન ?.. એના કરતાં તો હું યુધ્ધ માં આ લોકો દ્વારા હણાઈ ને અથવા ભિક્ષા વૃત્તિ થી નિર્વાહ કરવાનું પસંદ કરીશ.
કૃષ્ણ : આ રણભૂમિ ની મધ્ય માં જ્યારે થોડા સમય પછી યુધ્ધ શરૂ થશે.. એવા અસમયે તને આવો મોહ શું કામ લાગ્યો..?
રણભૂમિ માં ઊભેલા શસ્ત્રધારી યોદ્ધા માટે આ શોભનીય નથી.. તેમ જ ક્યારેય પૂર્વે પણ વીર યોદ્ધાઓ એ આ પ્રકાર ના મોહ અને ભય ને આવકાર્યો નથી.. જ્યારે યોદ્ધાઓ સામ સામે હોય અને શાંતિ ની દરેક સંભાવનાઓ નો અંત આવ્યો હોય ત્યારે આવી વાતો તો હૃદય ની નબળાઈ માનવા માં આવે છે.. માટે અર્જુન.. આ કાયરતા રૂપી નબળાઈ ઓ નો ત્યાગ કર અને યુધ્ધ માટે સજ્જ થા.

અર્જુન : કેશવ.. આ લોકો, આ સ્વજનો જે યુધ્ધ માટે તૈયાર ઊભા છે.. એ મારા સંબંધીઓ ,કુટુંબીઓ અને ભાઈ ભાંડુઓ છે.. આ લોકો ની હત્યા અમારા માટે કલ્યાણકારી કંઇ રીતે હોઈ શકે..? અમે આ લોકો ને મારી ને લાભ શું પામીશું ?અને વળી અમે જે યુધ્ધ કરવા જઈ રહ્યા છે તેનું પરિણામ શું થશે એ પણ અમે જાણતા નથી.. ન તો એ નક્કી છે કે અમે જીતીશું અથવા હારીશું.. અને હારી ને તેમ જ જીતી ને પણ મને તો આ યુદ્ધ થી ઉત્પન્ન થનારા પરિણામ નો શોક જ થશે.. મને પરિણામ પણ અવળું જ દેખાય છે.. તેથી હું કાયરતા રૂપી દોષ ને પ્રાપ્ત થયો છું.. હું આ સ્થિતિ માં આ લોકો ની મારા દ્વારા જે હત્યા થશે એનાથી મૂઢ થયેલો છું.. કાઈ નિર્ણય કરવા માટે સક્ષમ નથી.. એટલે હે કૃષ્ણ મને આપનો શિષ્ય જાણી ને જે નિશ્ચિત રીતે યોગ્ય હોય એ કહો.
કૃષ્ણ : હે અર્જુન ,તું જે સ્વજનો માટે શોક કરે છે.. એ શું આ સમયે યુદ્ધ ભૂમિ ની મધ્યમાં શોક કરવા લાયક છે? તું... જે સ્વભાવે ક્ષત્રિય છે.. એના માટે ધર્મ યુક્ત યુધ્ધ થી વધી ને કલ્યાણકારી બીજું શું હોઈ શકે.. ? આપ મેળે જ્યારે વીરતા
બતાવવાનો અવસર મળે છે ત્યારે વીરો ને અપાર પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.. તેઓ પોતાના શૌર્ય થી પરાક્રમ કરી બતાવે છે.. આમ એ યુદ્ધ માંથી ભાગતા નથી.. કારણ કે જે આત્મીય જનો માટે તું યુધ્ધ માંથી ભાગવાની વાત કરે છે.. એ આત્મીય જનો જ તારા યુધ્ધ માંથી ભાગી જવા પર ..તને ન કહેવા જેવા વચનો કહેશે અને તારા માટે આ અપમાન સમાન હશે.. તારી કીર્તિ અને પ્રતિષ્ઠા.. આ ભય તેમ જ શોક વડે નાશ પામશે અને તારા માટે એ મરણ થી પણ વધુ દુઃખ દાયક હશે.
         કારણ કે હે અર્જુન જેને માટે તું શોક કરી રહ્યો છે.. એ શરીરો તો નાશવાન જ છે.. આ શરીરો તો ફક્ત જીવાત્માં ના વસ્ત્રો છે જે બાળપણ ,યુવાની અને વૃદ્ધાવસ્થા જેવી અવસ્થાઓ ને પ્રાપ્ત થઈ ને કાળ ના ગર્ભ માં સમાઈ જશે.. અનિત્યતા અને પરિવર્તનશીલતા આ શરીર ની સ્વભાવિક ગતિ છે.. માટે શરીર માટે શોક કરવો પંડિતો દ્વારા માન્ય નથી..
અને જે પ્રાણ રૂપી આત્મા આ શરીરમાં રહેલો છે એ તો અજન્મા અને સનાતન છે.. તે મરતો તેમ જ જન્મ લેતો નથી.. એ જીવાત્મા નિત્ય ,શાશ્વત,પુરાતન અને અવિનાશી છે.. એ દરેક કાળ માં શરીર ધારણ કરે જ છે.. એટલે આ લોકો ,આ આત્માઓ સદૈવ રહેશે જ કારણ કે પંચતત્વ ની , તેમ જ અસ્ત્ર શસ્ત્રો ની અસર થી આ આત્મા આ જીવન પ્રવાહ  એટલે કે પ્રાણ સદાય મુક્ત છે..
      અને જો તું આ પ્રાણ ને જન્મ અને મરણ થી બંધાયેલ જાણે તો પણ જેનો જન્મ થયો છે.. એનું મૃત્યુ થશે જ .. એ ન્યાયે પણ શોક કરવો ઉચિત નથી.
     જે ક્ષણે તું આ શરીરો ને ન જોઈ ને આ લોકો માં તેમ જ સ્વયં તારા માં સનાતન પ્રાણ ને જોઈશ એ ક્ષણે વાસ્તવિક રીતે તને સમજાઈ જશે કે કોઈ ને મારવું અને કોઈ ના દ્વારા મરવું એ શક્ય જ નથી.. તો પાપ શેનું?
આ શરીરો ને તો ઇન્દ્રિયો દ્વારા વિષયો ના સંયોગ વડે સતત સુખ દુઃખ ,ઠંડી, ગરમી વગેરે પ્રાપ્ત થતા રહેવાના માટે તું આને સહન કર.. કારણ કે જે સત્ સ્વરૂપ છે એવા પ્રાણ રૂપી આત્માનો વિનાશ નથી.. અને જે અસત સ્વરૂપ છે એવા શરીર ની સત્તા નથી..
     આ દૃષ્ટિ થી  ઉત્પન્ન થતી જે નિષ્ઠા છે..  એને યોગીઓએ "જ્ઞાન" કહ્યું છે.. જેના આચરણ વડે મોહમુક્ત થયેલ, તું પાપ - પુણ્ય,લાભ હાનિ, સુખ દુઃખ ,વિજય - પરાજય ને સમાન માનીશ અને એમ સમજી ને યુદ્ધ કરવા સજ્જ થઈશ તો તમામ શોક તેમ જ પાપ થી મુક્ત થઈ જઈશ.
અર્જુન : હે કેશવ,શાસ્ત્ર મુજબ ફક્ત સંપતિ,રાજ્ય અને વિવિધ ભોગો મેળવવા માટે કરેલું  આ મહા ભયંકર યુદ્ધ કર્મ મહાપાપ સિવાય કાંઈ જ નથી..  જેના થી અંતે અમને નર્ક પ્રાપ્ત થશે. ભલે હું જ્ઞાન   દૃષ્ટિ થી આ શરીરો માં આત્મા જોવું ,પરંતુ વિનાશ તો  શરીર દ્વારા શરીરો નો જ થશે અને પરિણામ તો શોક જ મળશે ને?   જ્ઞાન દૃષ્ટિ ના પ્રસંશક થઈ ને, જે કર્મ નું ફળ જ વિનાશ છે એવા મહાભયાનક કર્મ માં તમે મને કેમ જોડો છો? આનાથી તો ભયાનક કર્મ નું બંધન પ્રાપ્ત થઈ શકે છે.

કૃષ્ણ : હે અર્જુન, મેં તને પ્રથમ જ્ઞાન યોગ ના સંદર્ભ માં જે નિષ્ઠા કહી એ નિષ્ઠા થી યુક્ત થયેલ મનુષ્ય મોહ થી મુક્ત થઈ ને જન્મ ,મરણ ના આ ચક્ર ને માત્ર એક લીલા એટલે કે એક ક્ષણિક ખેલ સમજે છે. જ્યારે તમે વ્યક્તિ ને સ્વજન કે દુર્જન ન માની ને માત્ર એક સનાતન જીવાત્મા  કે પ્રાણ તરીકે જુઓ છો તો શોક નું કારણ રહેતું નથી..           
 પરંતુ હવે તું શરીર સાથે જોડાયેલ કર્મ ,કર્મો ના ફળ અને કર્મો ના બંધન ની વાત કરે છે.. તો તું મારી પાસે થી "કર્મ" ના સંદર્ભ માં કર્મ યોગ ની નિષ્ઠા સાંભળ.
       તું જે શાસ્ત્રો ની વાત કરે છે ,તેમાં તો ફક્ત અપ્રાપ્ય વસ્તુ ની પ્રાપ્તિ અને પ્રાપ્ત વસ્તુઓ ની રક્ષા માટે કર્મ કરવાનું પ્રયોજન કહેલ છે.. તે વસ્તુઓ ની પ્રાપ્તિ થી મળતા ફળ રૂપી સુખ ને સ્વર્ગ તેમ જ ભોગો ના વિયોગ થી મળતા ફળ રૂપી દુઃખ ને નર્ક કહે છે, તેમ જ તેઓ પરિણામ માં શું પ્રાપ્ત થશે અને શું પ્રાપ્ત નહી થાય એ આધારે કર્મ ને પાપ અને પુણ્ય સાથે જોડે છે...  જેના પરિણામ સ્વરૂપ ઐશ્વર્ય પ્રાપ્ત થાય એવા તમામ કર્મો તથાકથિત શાસ્ત્ર તેમ જ વેદ ની દૃષ્ટિએ પુણ્ય છે.  
          આ શાસ્ત્રો વિવિધ પ્રકાર ના સ્વર્ગ ,નર્ક ,પાપ અને પુણ્ય આપનાર ક્રિયાઓ અને વચનો થી ભરેલા છે.. પણ
" કર્મ" ને આવી રીતે જોવું એ વાસ્તવિક દૃષ્ટિ નથી. પાપ ,નર્ક ,અથવા શોક પ્રાપ્ત થશે એટલે કોઈ  કર્મ ન  કરવું અને પુણ્ય અથવા સ્વર્ગ મળશે એટલે કોઈ કર્મ કરવું એ તો સકામ કર્મ ની દૃષ્ટિ છે.. જે ભોગ અને પરિણામ આધારિત દૃષ્ટિ કર્મ પ્રત્યે આસક્તિ જન્માવે છે, અને વાસ્તવિક રીતે આ જ કર્મો ના બંધન માં બાંધનાર છે. એટલે આ રીતે "કર્મ" ને જોવું એ અસ્થિર બુદ્ધિ ના મનુષ્યો નું લક્ષણ છે..
            કેમ કે સ્વર્ગ અને પુણ્ય આપનાર ક્રિયાઓ તેમ જ પાપ અને નર્ક માં જોડનાર ક્રિયાઓ તો ચિત્ત ને ભ્રમિત કરે છે અને આ ક્રિયાઓ નાશવંત અને એક નિશ્ચય ના અભાવવાળી છે.
         હવે તું મારી પાસે થી "કર્મ" નો સાચો માર્ગ  સાંભળ જેના આરંભ તેમ જ અંત માં ફળ આધારિત સ્વર્ગ ,નર્ક, પાપ તેમ પુણ્ય ની કોઈ વાત જ નથી, અને આ માર્ગ  એકનિશ્ચય થી  યુક્ત છે.
હે અર્જુન વાસ્તવમાં  "કર્મ" કરવામાં જ તારો અધિકાર છે.. તું ફક્ત કર્મ કરી શકે છે.. ફળના વિષયમાં ક્યારેય તારો અધિકાર નથી.  ફળ ના હેતુ થી કેટલાક કર્મો કરવા કે ન કરવા એ ફક્ત સકામ બુદ્ધિ ની આસક્તિ છે.. તું આસક્તિ નો હેતુ ન થા.
            હે અર્જુન આ સમયે, યુદ્ધ ભૂમિ ની વચ્ચે ફક્ત તારા કર્તવ્ય કર્મ ને જો. સફળતા તેમ જ નિષ્ફળતા, સુખ દુઃખ, પાપ તેમ જ પુણ્ય ,સ્વર્ગ અને નર્ક આ સર્વે ને એક સમાન સમજી ને સમત્વરૂપી સ્થિર બુદ્ધિ યોગ ને પ્રાપ્ત થા. આ જ " કર્મ" ને જોવાની યોગ્ય દૃષ્ટિ છે.. એમાં જ કર્મ ની કુશળતા અને તારી રક્ષા પણ છે.  અત્યાર ની સ્થિતિ માં માત્ર કરવા યોગ્ય કર્મ નું જ ચિંતન કરનાર મનુષ્ય કર્મના બંધન માંથી છૂટી જાય છે.  
          આવો મનુષ્ય કર્મ ના પરિણામ થી મળતા સુખ દુઃખ થી વિચલિત થતો નથી.. કારણ કે એને કર્મ ના સમસ્ત પરિણામો નો અંતર થી ત્યાગ કરેલો હોય છે. જેને સ્વર્ગ નો મોહ, અને નર્ક ના દુઃખ ની ચિંતા હોય છે એ વ્યક્તિ જ સકામ કર્મ ની દરિદ્ર દશા નો સ્વીકાર કરે છે..
વાસ્તવ માં  "કર્મ " ના સંદર્ભ માં કોઈ આવો  સકામ વિકલ્પ હોતો જ નથી. "કર્મ " ફ્કત આ ક્ષણે કરવા યોગ્ય એક નિશ્ચય નું નામ છે. આ બુદ્ધિ યોગ પ્રાપ્ત થતા જ ભ્રમિત બુદ્ધિ શાંત અને સ્થિર થાય છે.. પછી આવા કર્મ યોગી નું ચિત્ત અચલ થઈ જાય છે.. અને સકામ કર્મ ની શાસ્ત્રોક્ત બુદ્ધિ નો તે સરળતા થી ત્યાગ કરી શકે છે.

અર્જુન : શાસ્ત્ર ની દૃષ્ટિએ હું જે કર્મ ની વાત કરી રહ્યો છું એ દરિદ્ર સકામ બુદ્ધિ છે અને આસક્તિ યુક્ત છે.. તો હે કેશવ જે તમે કહો છો એવી એક નિશ્ચયવાળા સમત્વ રૂપ કર્મ ની નિષ્ઠામાં જીવનાર વ્યક્તિ ની દિનચર્યા કેવી હોય છે?

કૃષ્ણ : જેનું અંતર પ્રાપ્ત કરવા જેવી વસ્તુઓ મેળવવા ની કોઈ ઈચ્છા ,કે પ્રાપ્ત વસ્તુ ખોવાઈ જવાના ભયથી યુક્ત વૃત્તિ થી મુક્ત છે.. અને અત્યારે આ ક્ષણ એણે જે કરવાનું કહે એ એમાં સંતુષ્ટ છે.. એ વ્યક્તિ " સ્થિતપ્રજ્ઞ" કહેવાય છે.
આવો વ્યક્તિ એક કાચબા જેવો છે જે પોતાના અંતર થી અંતર માં જ સંતુષ્ટ છે.
બહાર ના સુખ દુઃખ થી આ વ્યક્તિ ચલાયમાન નથી... આ વ્યક્તિ પાપ અથવા પુણ્ય ના આધારે નહી પરંતુ પોતાના સ્વાધીન અંત: કરણ થી ક્ષણ ક્ષણ ની જરૂર પ્રમાણે નિશ્ચય કરી ને કર્મ કરે છે. તે પોતાની આંતરિક જાગૃતિ થી, તેમ જ સમય ની આવશ્યકતા પ્રમાણે કર્મ કરે છે.. આ વ્યક્તિ ને અંતર થી જાગૃત ગણવો.
તે વ્યક્તિ સ્વર્ગ,નર્ક,રાગ ,ભય,ક્રોધ,દ્વેષ થી આકર્ષાઈ અપ્રાપ્ય   વસ્તુઓ ની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત વસ્તુઓ રક્ષા માટે કર્મ કરતો નથી.. તેમ જ  તેમના વડે પ્રભાવિત થઈ ને કર્મો ત્યાગ તો કરતો જ નથી.. કારણ કે તે જાણે છે કે સામાન્ય વ્યક્તિ આ રીતે કર્મ કરી ને અશાંતિ ને પ્રાપ્ત થાય છે.. માટે તેના માટે આ દૃષ્ટિ  નિદ્રા સમાન છે.
      ઘણા વ્યક્તિઓ આ કર્મ યોગ ના માર્ગે ચાલવાનો યત્ન કરી ને ઉપર ઉપર થી સમત્વ નું આચરણ કરે છે પણ તેમના અંતર માં સકામ બુદ્ધિ નો પ્રભાવ હોવાથી તેમનું મન તેમની ઇન્દ્રિયો ને તેમના જ સકામ ચિંતન વડે ખેંચે છે.
    પરંતુ સ્થિર બુદ્ધિ વ્યક્તિ ના બધા જ બાહ્ય પ્રભાવો એક નદી ની જેમ શાંતિ અને આનંદ ના આંતરિક સમુદ્ર માં વિલિન થઈ ને શાંત થઈ જાય છે.
અર્જુન : જ્ઞાન તેમ જ કર્મ બન્ને માંથી કઈ દૃષ્ટિ મારા માટે પાલન કરવા સર્વથા યોગ્ય છે? કારણ કે સર્વત્ર પ્રાણ રૂપી આત્મા જ વ્યાપ્ત  છે તો પછી યુદ્ધ કરું કે ન કરું એનાથી શું અંતર પડે છે? અને જો મને પરિણામ થી કાંઈ જ ફરક ન પડતો હોય તો યુદ્ધ રૂપી કર્મ ન કરીને પણ હું એ જ સ્થિતિ ને પ્રાપ્ત થઈશ જે યુધ્ધ કર્મ કર્યા પછી પ્રાપ્ત થાત.. આ બાબતે હું  ભ્રમિત છું.. મને એક નિશ્ચિત માર્ગ જણાવો.

કૃષ્ણ : પૂર્વે મેં તને જ્ઞાન તેમ જ કર્મ ની નિષ્ઠા કહી તે બન્ને માં કર્મ થી ભાગવાની અને કોઈ પણ રીતે કર્મ છોડવાની વાત ક્યાંય નથી.. કારણ કે કર્મ એ પ્રકૃતિ ના ગુણો દ્વારા  બંધાઈને મનુષ્ય માત્ર એ  કરવું જ પડે છે.. જ્ઞાનયોગી આત્મ તત્વ જાણી ને કર્મ કરે છે.. અને કર્મ યોગી નિષ્કામ બુદ્ધિ નો આશ્રય લઈ ને કર્મ કરે છે.. આમ બન્ને કર્મ તો કરે જ છે. કારણ કે કર્મ કર્યા વગર જીવન જીવવું તેમ જ નિર્વાહ કરવો અશક્ય છે.
હા, તું સકામ બુદ્ધિ થી કર્મ કરીશ કે નિષ્કામ બુદ્ધિ થી એ નિર્ણય તું કરી શકે છે.. પરંતુ સકામ બુદ્ધિ ની તુલનાએ નિષ્કામ બુદ્ધિ થી કર્મ કરવું શ્રેષ્ઠ છે કારણ ઉપર ઉપર થી સમત્વ રાખી અંતર થી સકામ બુદ્ધિ નું ચિંતન દંભી બનાવે છે..
             સૃષ્ટિ ના આરંભ માં જ્યારે જીવનની શરૂઆત થઈ  અને જીવન ચક્ર નો નિર્વાહ આરંભ થયો.. ત્યારે સર્વે મનુષ્ય સમુદાય પ્રકૃતિ ના તત્વો ની જેમ જ એક બીજા ના કર્મો થી જ એક બીજા નું પોષણ કરતો હતો.. જેવી રીતે સૂર્ય ના તેજ થી નદી નું પાણી તપે અને વરાળ બની ને વાદળ બને, વાદળ ઠરતા વર્ષા થાય એમ..સર્વ માટે અન્ન ઉત્પન્ન કરવા થી માડી ને સર્વ નું રક્ષણ કરવા માટે મનુષ્યો એક બીજાને અનુકુળતાઓ પુરી પાડતા હતા.. અને તેનાથી જ નિર્વાહ શક્ય બન્યો હતો. પરંતુ જ્યારે મનુષ્ય એ ફક્ત પોતાની અનુકૂળતા અને સ્વાર્થ પુર્તિ માટે કર્મ કરવાની શરૂઆત કરી ત્યારથી જ સ્વર્ગ અને નર્ક જેવી કલ્પનાઓ નો જન્મ થયો..
યાદ રાખ ,જે આ જીવન ચક્ર રૂપી યજ્ઞ ની અનુકુળતા તેમ જ રક્ષા  માટે કર્મ કરે છે એ સર્વ પ્રકારે સમૃદ્ધ થાય છે.
      કર્મ ન કરવાથી  કે માત્ર પોતાની સ્વાર્થ વૃત્તિ મુજબ કર્મ કરવાથી તો મળેલું જીવન વ્યર્થ થાય છે.
એટલે આ જ ક્ષણ માં જે ઉપલબ્ધ છે અને જે કરવા યોગ્ય કર્મ છે તેનું સંતુષ્ટિ પૂર્વક નિર્વહન કરી ને જ તું સમૃદ્ધિ અને શાંતિ ને પામીશ.
પૂર્વે જનક રાજા જેવા યોગી એ પણ કર્મ કરતા રહી ને જ જીવન ની સાર્થકતા પામ્યા હતા..  અને કર્મ કરી ને જ લોકસમુદાય નું જતન પણ થાય છે.. માટે નિષ્કામ બુદ્ધિ થી કર્મ કરવું શ્રેષ્ઠ છે.
કારણ કે તારા જેવા શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરશે.. ભવિષ્ય માં સામાન્ય મનુષ્ય પણ એ જ પ્રમાણે અનુકરણ કરશે..
      અરે તું મને જ જો, આ યુદ્ધ સાથે મારે કશી લેવાદેવા નથી.. તેમ જ મને તારી પાસે થી અથવા કોઈ ની પાસે થી કાંઈ જ જોઈતું નથી છતાંય હું તારો સારથી બની ને કર્મ માં પ્રવૃત્ત છું.. કારણ કે આવનારી પ્રજા બધી રીતે મારું અનુસરણ કરશે. અને જો હું કર્મ નહી કરું તો આવનારી પેઢીઓ મને દોષ આપશે.. કે આટલા મોટા ધર્મયુદ્ધ માં મેં કોઈ ભાગ ન ભજવ્યો..!
નિષ્કામ બુદ્ધિ થી કર્મ કરનાર પણ સકામ બુદ્ધિ થી કર્મ કરનાર ની જેમ જ વર્તન કરે છે.. પણ સકામ બુદ્ધિ વાળો વ્યક્તિ એમ સમજે છે કે પ્રકૃતિ ના ગુણો દ્વારા જે કર્મ થાય છે એ "હું" કરું છું..  એટલે કે હું કર્તા છું. નિષ્કામ બુદ્ધિ થી કર્મ કરનાર વ્યક્તિ આ બાબતે ભ્રમિત હોતો નથી.. ન તે સકામ બુદ્ધિ યુક્ત વ્યક્તિ ને વગર પ્રશ્ને માર્ગદર્શન આપે છે..
           જ્ઞાનયોગ અને કર્મયોગ ના માર્ગ નું અનુસરણ કરનાર વ્યક્તિ સમજે છે કે પ્રકૃતિ ના ગુણો વડે જ કર્મ થાય છે.. ગુણો જ ગુણો વડે કાર્યરત થાય છે..
              વાસ્તવ માં સકામ બુદ્ધિથી યુક્ત મનુષ્ય નો અહંકાર મનુષ્ય ને એમ સમજાવે છે કે એ પ્રાપ્ત કરનાર, ગુમાવનાર, રક્ષા કરનાર તેમ જ હાનિ કરનાર છે.
હે અર્જુન, તું આ જાણી ને પણ મારા આ મત નું અનુસરણ નહી કરે ,થતા આ બન્ને માર્ગ માં દોષ શોધીશ તો સ્વયં પોતાનું પતન કરનાર થઈશ કારણ કે સમજદાર હોય કે મૂઢ દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ મુજબ કર્મ કરવાને બાધ્ય છે.
સકામ બુદ્ધિ ઇન્દ્રિયો ના વિષયો સાથે જોડાયેલ ભોગો થી બંધાયેલ હોવાથી કર્મયોગ ના માર્ગ થી ભટકાવી દે છે.. એક વીર યોદ્ધા રૂપી તારા સ્વધર્મ માં વિઘ્ન ન પડે માટે પોતાના ધર્મ માં સ્થિર થઈ ને યુદ્ધ કર... કારણ કે બીજા નો ધર્મ ભયપ્રદ છે, પોતાના ધર્મ માં મૃત્યુ પણ શ્રેય કારક છે.

અર્જુન : તમે જે કહો છો એ સાચું છે પરંતુ તો પણ હું જોઉં છું કે મનુષ્ય જે પ્રાપ્ત નથી એ પામવા અને જેની રક્ષા થઈ શકે છે એની રક્ષા કરવા માટે બધી હદો પાર કરી દે છે. એ ક્યાં પ્રભાવ થી ભ્રમિત થાય છે?

કૃષ્ણ : મનુષ્ય જ્યારે પોતાના સ્વાર્થ ની પૂર્તિ માટે જ જીવે છે ...પોતાને કર્તા સમજે છે,ત્યારે મનુષ્ય ના અંતર માં કામના ઉત્પન્ન થાય છે, એ કામના પૂરી કરવા અને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે.. પણ દરેક મનુષ્ય ની દરેક ઈચ્છા પૂર્ણ થતી નથી એટલે તેને ક્રોધ આવે છે. આમ કામ અને ક્રોધ બન્ને તેને પરિણામ થી પ્રભાવિત થતી સકામ બુદ્ધિ સાથે જોડે છે.

           મનુષ્ય જ્યારે કામના કરે છે, ત્યારે એક અખંડ પ્રાણ - મન,બુદ્ધિ,અહંકાર માં વિભાજિત થાય છે.  મન ઈચ્છા કરે છે, બુદ્ધિ રસ્તો કાઢે છે.. ઇન્દ્રિયો એ રસ્તા પર ચાલવા પ્રેરિત થાય છે..અને અહંકાર વિજય અથવા પરાજય પામે છે. વિજય પામતા સુખ થાય છે.. વાસના વધે છે, પરાજય પામતા નિરાશા તેમ જ દુઃખ વધે છે.. આ શૃંખલા ચાલ્યા જ કરે છે. આમ આ કામના તથા ક્રોધ ક્યારેય તૃપ્ત થતા નથી. કામનાઓ ઇન્દ્રિયો અને મન થી જ અંતર માં પ્રવેશ કરે છે.

           જ્યારે પાંચ ઇન્દ્રિયો ના વિષયોથી વધુ ને વધુ પ્રાપ્ત કરવાની કામના અને ગુમાવવા નો ભય હટી જાય, તો બુદ્ધિ અને અહંકાર નું પ્રાણ માં વિસર્જન થાય છે અને ત્યાર બાદ મન એટલે કે કામનાઓ ના બળ થી બહિર્મુખ થનારા ભાવોનું સ્વતંત્ર અસ્તિત્વ પણ પ્રાણ સાથે એકરૂપ થાય છે.. એટલે આ પ્રાણ રૂપી આત્મા સર્વશ્રેષ્ઠ છે.
               આ પાંચ ઇન્દ્રિયો સ્વભાવ અને પ્રકૃતિ થી જ વર્તન કરે છે.. એટલે કે સુખ અને દુઃખ નું ચક્ર તો ચાલ્યા જ કરે છે, પરંતુ કામનાઓ થી ઉત્પન્ન મન અને અહંકાર બાહ્ય જગત માં ભટક્યા કરે છે.. એ પોતાને આત્મા નહીં પરંતુ સ્થૂળ શરીર સમજે છે. અને તથા કથિત " પાપ" દ્વારા બંધાય છે.


Comments

Popular posts from this blog

ज्योतिषी सेवा और शुल्क।

કામ જ્યોતિષ

प्रश्न अंकशास्त्र पद्धति